ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવ્યા હતા. ત્યારે ગામના જાગૃત લોકોએ ટેન્કરને પકડી પાડી હતી. પરંતુ જી.પીસી.બી.અને પોલીસ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી અને ગ્રામજનોએ પકડેલ ઝેરીકેમિકલનું ટેન્કર અને તે માણસોને છોડાવવા મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા પહોચી જતા કોંગ્રેસે તે બાબતને શરમજનક ગણાવી અનેક આક્ષેપો કર્યા હતાં.
મળતી માહિતી અનુસાર, ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવ્યા હતા. ત્યારે ગામ લોકોએ ટેન્કર ચાલકને પકડી લેતા મોરબીના ધારાસભ્ય ખૂબ પર્યાવરણને નુકશાન કરતા વ્યક્તિને બચાવવા પહોંચ્યા હતાં. જે બનાવ સામે આવતા કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે મોરબીના ધારાસભ્ય અવાર નવાર વિડિયો જાહેર કરી પોતે લોકોને મદદ કરે છે એવી ખોટી ડંફાસ મારી મોરબી માળિયાની પ્રજાને શું મૂર્ખ સમજે છે ? જ્યારે કોઈ પ્રજા વિરોધી કાંડ સામે આવે અને તેમાં ધારાસભ્યની સંડોવણી ન હોય તેવું બન્યું નથી. ભૂતકાળમાં વ્યાજ વટાવ ધંધા, દુકાનો ખાલી કરાવવા બેફામ ગાળો વાળી ક્લિપ સાંભળવા મળી હતી. ત્યાં વળી ધારાસભ્ય પર્યાવરણ અને જમીનને નુકશાન પહોંચાડતા લોકોની વ્હારે આવીને શું સાબિત કરવા માંગે છે. ? તેવા સવાલ કોંગ્રેસે કર્યા હતાં. વધુમાં મોરબીમાં તમામ કાળા અને પ્રજા વિરોધી કાર્યમાં મોરબીના ધારાસભ્યની ક્યાંક ક્યાંક સંડોવણી બહાર આવે છે. તો મોરબીની પ્રજાએ તેમને આ માટે મત આપી ચૂંટેલ છે ? મોરબી માળિયાની પ્રજાના સ્વસ્થ્ય સાથે ખેલ કરી આવા ઝેરી કેમિકલને કારણે રોગચાળો ફેલાય છે, જમીન ખરાબ, સાથે મૂંગા પશુ જીવજંતુ મૃત્યુ પામે, સાથે પર્યાવરણને પણ પારાવાર નુકસાન ત્યારે આવા ઝેરી કેમિકલ જ્યાં ત્યાં નાખતા લોકોને સજા આપવાને બદલે સાથ આપવા ધારાસભ્ય કેમ આગળ આવે છે.? આ બાબતે તો અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરાવી જોઈએ. જેથી આવા લોકો ફરી વખત જ્યાં ત્યાં ઝેરી કેમિકલ ઠાલવે નહીં અને પર્યાવરણને નુકસાન ન કરે.જો રક્ષક જ ભક્ષક નીકળે ત્યારે પ્રજા ફરિયાદ પણ કોને કરે ? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના સાથે ઉભુ રહેવું જોઈએ. તેના બદલે મોરબીના ધારાસભ્ય ગેર કાયદેસર ધંધા કરતા લોકો સાથે ઊભા રહે છે. તે તેમના માટે શરમજનક બાબત કહેવાય. તેમજ ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મોરબી તાલુકા પ્રમુખ કેડી પડસુંબિયા, ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપ પ્રમુખ રમેશ રબારી અને કે. ડી બાવરવા, પૂર્વ પ્રદેશ ઓબીસી સેલ ઉપપ્રમુખ એલ.એમ. કંજારિયા સહિતનાઓની યાદીમાં જણાવ્યું છે.