વાંકાનેર તાલુકા પોલીસે રોકડ તથા પાંચ વાહન સહિત ૯.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે આવેલ વાડીમાં વાડી-માલીક દ્વારા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ચાલતા જુગારધામ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરી રોકડ તથા ત્રણ મોટર સાયકલ અને બે ફોર વ્હીલ સહિત ૯.૭૧ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ચારની અટક કરી હતી જ્યારે પાંચ ઈસમો પોલીસને જોઈ નાસી જવામાં સફળ થયા હતા, હાલ પોલીસે કુલ ૯ આરોપીઓ સામે ગુનો નોંધી ભાગી છુટેલ આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળેલ કે કોટડાનાયાણી ગામની સીમમાં ખોખળીયા સીમના નાકા તરીકે ઓળખાતી જારીયા ગામ તરફે આવેલ પરાક્રમસિંહની વાડીમાં વાડી-માલીક પરાક્રમસિંહ જાડેજા બહારથી માણસો બોલાવી વાડીની ઓરડીમાં જુગાર રમવાના સાધન સામગ્રી પુરા પાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોક્ત વાડીમાં રેઇડ કરતા જુગાર રમી રહેલા જુગારીઓ નાસભાગ કરવા લાગ્યા હતા, ત્યારે પોલીસ ટીમે વાડીની ઓરડીમાં તપાસ હાથ ધરતા ચાર ઈસમો પકડાઈ ગયા હતા જેમાં પરાક્રમસિંહ હાલુભા જાડેજા ઉવ.૪૫ રહે. કોટડાનાયાણી તા. વાંકાનેર, ફૈઝલભાઈ આરીફભાઈ ગલેરીયા ઉવ.૩૧ રહે.રાજકોટ જંગલેશ્વર નીલમ પાર્ક બંધ સોસાયટી, ડાડામીયા મહોમદમીયા ઉવ.૩૩ રહે.રાજકોટ જંગલેશ્વર ભવાની ચોક પાસે તથા નૈમિશભાઈ ધીરેન્દ્રભાઈ માણેક ઉવ.૩૧ રહે.રાજકોટ રૈયા રોડ ગાંધીગ્રામવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. આ સાથે પોલીસે રોકડા ૬,૮૧૦/- તેમજ ઍક્સેસ મોપેડ, એકટીવા મોપેડ, પ્લેટીના બાઇક તથા ઇકો કાર તેમજ સ્વીફ્ટ કાર સહિત ૯,૭૧,૮૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
જ્યારે દરોડા દરમિયાન પાંચ આરોપીઓ નાસી ગયા હતા જેમાં વિપુલ ઉર્ફે જાંબુ રહે.રાજકોટ ગાંધીગ્રામ વિસ્તાર, જાવીદ મેમણ રહે.રાજકોટ ભાવનગર રોડ દૂધની ડેરી પાસે, ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઇકો કારવાળા તથા વિપુલ જાંબુ સાથે આવેલ બે અજાણ્યા ઈસમો એમ કુલ પાંચ ઈસમો પોલીસને જોઈ નાસી ગયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે કુલ ૯ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.