બે મહિના અગાઉ બનેલ ચોરીના બનાવ અંગે ખેડૂતના ઘરમાં ટાઇલ્સ ચોંટાડવાનું કામ કરતો ચરાડવા ગામનો કારીગર શંકાના ઘેરામાં
હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખેતી કરતા ખેડૂત પરિવારના ઘરમાં રૂમમાં રાખેલ કબાટના લોકરમાંથી સીનના ઘરેણાં ભરેલ પાકિટની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ખેડૂત પરિવારના ઘરમાં ટાઇલ્સ ચોંટાડવાનું કામ ચાલુ હોય ત્યારે જે દિવસથી ઘરેણાં ભરેલ પાકીટ ગુમ થયું ત્યારથી ટાઇલ્સ ચોંટાડવાનું કામ કરતો ચરાડવા ગામનો કારીગર ટાઇલ્સ ચોંટાડવાનું અધૂરું કામ મૂકીને કામ કરવા ન આવતો હોય જેથી ખેડૂત દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદમાં આ કારીગર ઉપર શંકાની સોય તાકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયા ઉવ.૪૨ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૩/૦૭ના સાંજના સમયથી તા.૧૯/૦૭ના સવાર સુધીમાં નવઘણભાઈના ઘરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના કાનમાં પહેરવાના કોકરવા નંગ-૨ આશરે દોઢ તોલાના કિ.રૂ.૫૭ હજાર તથા ગળામાં પહેરવાની સોનાની મગમાળા નંગ ૦૧ આશરે સાડા ત્રણ તોલાની કિ.રૂ.૧.૩૩ લાખ એમ કુલ કિ.રૂ.૧.૯૦ લાખની માલ મતાની ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુમાં શકના દાયરામાં નવઘણભાઈના ઘરે ટાઇલ્સ ચોંટાડવાનું કામ કરી રહેલા ચરાડવા ગામના કારીગરને રાખવામાં આવ્યો છે કારણ કે જે દિવસથી ચોરી થઈ ત્યારથી ટાઇલ્સનું કામ અઘરું મૂકી ઉપરોક્ત કારીગર કામે ન આવતો હોય જેથી નવઘણભાઈ દ્વારા શક પડતી વ્યક્તિમાં તેનું નામ લખાવ્યું હોય. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.