ગાંધીનગર સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં અનાર્મ્ડ એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા અશોકભાઇ બેચરભાઇ ચૌધરીને એ.સી.બી. એ બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડયો છે. ફરિયાદીને અરજીની તપાસમાં હેરાન નહિ કરવા અને ગુન્હો દાખલ નહિ કરવા માટે બે લાખની લાંચ માંગી હતી. જે લેતા એ.સી.બી.ના છટકામાં પકડાઈ જતા એ.સી.બી. દ્વારા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અશોકભાઈ બેચરભાઈ ચૌધરી ફરીયાદી વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજીની તપાસ ચલાવી રહ્યા હતા. ત્યારે એ.એસ.આઇ એ ફરીયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહી કરવા અને ગુન્હો દાખલ નહી કરવાના બદલે રૂા.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન એ.એસ.આઇ એ ફરીયાદી સાથે વાતચીત કરી ગાંધીનગરના અડાલજ, કન્ટેનર બ્રીજ પાસે, અતીથી ધાબા પાસે સર્વીસ રોડ પર બોલાવી લાંચની રકમ માંગી, સ્વીકારતા જામનગર એ.સી.બી. એ પકડી પાડયો હતો.
જેમાં ટ્રેપીંગ અધિકારી તરીકે આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન, એ.સી.બી. સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા કામગીરીમાં કરવામાં આવી હતી.