રાજકોટ એ.એન.ટી.એફ.-સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા બાતમીને આધારે સફળ રેઇડ.
એ.એન.ટી.એફ., સી.આઈ.ડી. ક્રાઈમ રાજકોટ ઝોન દ્વારા બાતમીના આધારે વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીકથી સીએનજી રીક્ષામાં લઈ જવાતો ૧ કિલો ૯૦૦ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે રીક્ષા ચાલક આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
રાજકોટ ઝોનમાં એ.એન.ટી.એફ., સી.આઈ.ડી. ક્રાઈમના પીઆઇ પોલીસ જીજ્ઞેશ જીતેન્દ્રસિંહ ચૌહાણની ટીમને ખાનગી બાતમી મળી હતી કે રાજકોટના કૃષ્ણનગર-પોપટપરા વિસ્તારનો જાહીદહુશેન નુરમામદભાઈ મકવાણા પોતાની રીક્ષા રજી. નં. જીજે-૦૩-બીયુ-૩૬૪૯માં માદક પદાર્થ ગાંજો લઈને ચોટીલા તરફથી વાયા વાંકાનેર થઈ રાજકોટ જવાનો છે. બાતમીના આધારે ટીમે રાજકોટ-ચોટીલા અને કુવાડવા-વાંકાનેર હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ત્યારે તા.૧૧-૦૨બ રોજ સાંજે વાંકાનેર-ચંદ્રપુર હાઇવે પર લાઇફલાઇન હોસ્પિટલ સામેથી ઉપરોક્ત રીક્ષા પસાર થતા તેને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી. રીક્ષાની તલાસી દરમ્યાન ડ્રાઇવર સીટ નીચે લાલ થેલીમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન ૧ કિલો ૯૦૦ ગ્રામ કિ.રૂ.૯૫,૦૦૦/- નોંધાયું હતું. આ ઉપરાંત બે મોબાઇલ ફોન અને રીક્ષા સહિત કુલ રૂ.૧.૪૬ લાખના મુદ્દામાલ સાથે આરોપી જાહીદહુશેન નુરમામદભાઈ મકવાણા ઉવ.૫૩ રહે. કૃષ્ણનગર પોપટપરા રાજકોટ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નારકોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ શરૂ કરવામાં આવી છે.









