ભારતની સંસદમાં ગઈકાલે બે શખ્સોએ ઘુસી જઈને બપોરના સમયે ફટાકડાના બોમ્બથી પીળા રંગનો ધુમાડો ફેલાવતા ત્યાં હાજર રાજકોટના સંસદસભ્ય મોહન કુંડારિયાએ હિંમતપૂર્વક એક યુવકોની સામે જઇને તેમને ઝડપી લીધો હતો.
મોહન કુંડારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંસદમાં હું જે જગ્યાએ બેઠો હતો તેની તદ્દન નજીકમાં જ બે યુવનો દોડીને આવ્યા હતા. સાવ અચાનક જ આ રીતે દોડીને આવેલા યુવાનને પકડી પાડવા મેં પણ દોટ મૂકી અને ગણતરીની સેકન્ડોમાં જ બેમાંથી એકને મેં પકડી પાડયો હતો. તેમ સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું. એઓએ વધુમાં કહ્યું હતું કે, એમાં ડરવાનું થોડું હોય? એની પાસે હથિયાર ન હતું, માત્ર ધૂમાડો ફેલાવી શકે તેવું મશીન હતું. તેમ પણ સાંસદે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના આ નવા અદ્યતન ભવનનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે અને તેમાં પ્રથમવખત આવી સુરક્ષા ચૂકનો બનાવ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.