સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અનુસૂચિત જાતિના બે સગા ભાઈની હત્યા થઈ છે. ઘટનાને પગલે પોલીસનાં ધાડેધાડાં ઉતારવામાં આવ્યાં છે. બન્ને ભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. 20 જેટલા લોકો લાકડી અને ધારીયા લઈ આવી અનુસૂચિત જાતિના પરિવાર પર તૂટી પડ્યો હતો. તેમજ અનુ.સૂચિત પરિવાર પાસેથી રૂ. બે લાખ પણ હત્યારાઓ લઈ ગયા હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું છે. ત્યારે હાલ બેવડી હત્યાની ઘટનાને પગલે SIT ટીમની રચના કરવામાં આવ્યું છે. જે ટીમનું સુપરવિઝન કરવાની જવાબદારી અશોક કુમાર યાદવને સોપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં ગત તા.૧૨/૦૭/૨૦૨૩ ના રોજ જમીન મુદ્દે થયેલ તકરારમાં અનુસૂચિતજાતિ તથા કાઠી દરબાર વચ્ચે બોલાચાલી થતા મારામારી થયેલ જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે. જે બનાવ અનુસંધાને દાખલ થયેલ ગુન્હામાં ભોગ બનનાર પરીવારને નિષ્પક્ષ ન્યાય મળી રહે તેમજ ગુન્હાની સંપુર્ણ તટસ્થ તપાસ થાય તે હેતુસર સમગ્ર બનાવને ધ્યાને રાખી રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ત્વરીત એક SIT ટીમની રચના કરી આ ટીમમાં જામનગર જીલ્લા એસ.પી.ને અધ્યક્ષસ્થાને રાખી તેમજ ધ્રાંગધ્રાનાં ડી.વાય.એસ.પી. જે.ડી.પુરોહીત, સુરેન્દ્રનગર જીલ્લાની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ના પોલીસ અધિકારી તથા જીલ્લાના સ્પેશ્યલ ચુનંદા અધિકારી અને કર્મચારીઓનું આ SIT ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર SIT ટીમનું સુપરવિઝન અશોક કુમાર યાદવ જાતેથી સંભાળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.