રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ઇન્સ્પેકશન માટે મોરબી એસપી કચેરી ખાતે બે દિવસથી મુકામ કર્યો છે. આજે રેન્જ આઈજીએ મોરબીમાં રેન્જની ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ રેન્જના પાંચેય એસપી અને ડીવાયએસપી સહિના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આજરોજ મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવનુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી અને જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળેલ અને કોઈ રજૂઆત કે ફરિયાદો સાંભળી હતી. જે બાદ મોરબીમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં રેન્જની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકાના એસપી અને ડીવાયએસપી સહિના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જમાં ગુન્હાખોરી અને ડ્રગ્સના દૂષણને નાથવા જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન પર છે.