શેરીમાં પાણી કાઢવા બાબતે લોખંડના પાઈપ, ધોકાથી હુમલો કરતા પાડોશી આધેડની સ્થિતિ નાજુક
માળીયા(મી) ના મોટા દહીંસરા ગામે શેરીમાં પાણી કાઢવાની સામાન્ય બાબતે પડોશમાં રહેતા ચાર સગા ભાઈઓ દ્વારા પાડોશી સાથે બોલાચાલી ઝઘડો કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પાડોશી આધેડ ઉપર લોખંડના પાઇપ,ધોકા વડે હુમલો કરતા પાડોશી આધેડને માથાના મધ્ય ભાગમાં લોખંડના પાઇપ વડે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે રીફર કરતા પાડોશી આધેડને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે, હાલ ભોગ બનનારની પત્ની દ્વારા પોલીસ સમક્ષ આરોપી ચારેય ભાઈઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા નિર્મલાબેન ચંદુભાઈ છગનભાઇ મકવાણા ઉવ.૪૦ એ આરોપી એવા ચાર સગા ભાઈઓ સુરેશભાઈ અરુણભાઈ, વિજયભાઈ તથા અશોકભાઈ અવચરભાઈ ઇન્દરીયા વિરુદ્ધ માળીયા(મી) પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ફરીયાદી નિર્મલાબેનના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હોય જેનુ મનદુખ રાખી આરોપી સુરેશભાઈએ ચંદુભાઈને લોખંડના પાઈપ વતી માથાના મધ્યભાગે મારી ફુટની ઇજા કરી તેમજ અન્ય ત્રણ આરોપી ભાઈઓએ લાકડાના ધોકા, લાકડી વડે ચંદુભાઈને વાસામાં તેમજ શરીરે આડેધડ ઘા મારવામાં આવ્યા હતા આ દરમિયાન નિર્માલાબેનના પિતાજી વચ્ચે છોડાવવા આવતા તેને પણ માથામાં લાકડી વડે ઇજાઓ પહોંચી હતી. હાલ ચંદુભાઈ તથા તેમના સસરાને પ્રથમ માળીયા(મી) સીવીલ હોસ્પિટલમાં ત્યારબાદ મોરબી સારવાર લીધા બાદ એકદમ નાજુક સ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ચંદુભાઈને ઓક્સિજન ઉપર લીધ હોય ત્યારે નિર્મલાબેનની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.