રાજકોટની વાગુદડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રૂ.૩,૦૦૦/- ની લાંચ લેતા એ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો. અને કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫૦૦૦૦/- દંડ ફટકારવામાં આવ્યો છે.
વાગુદડ ગ્રામ પંચાયત વર્ગ-૩ના તત્કાલિન તલાટી કમ મંત્રી લાઘાભાઈ ઉર્ફે લલીતભાઈ સવદાસભાઈ રૈયાણી દ્વારા ફરીયાદીની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવાના અવેજપેટે રૂા.૩૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ફરીયાદીની ફરીયાદ આધારે રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ દ્વારા લાંચનુ છટકુ ગોઠવી આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટેની માંગણી કરી ફરીયાદી પાસેથી રૂપિયા લેતા એલ.સી.બી. એ રંગે હાથ પકડી પાડ્યા હતા. અને જયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. જે ગુન્હાની તપાસ એલ.સી.બી. પી.આઇ. એલ.કે.ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પી.આઈ. એ સર્વગ્રાહી પુરાવાઓ મેળવીકોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે ગુન્હાના કામે સરકારી વકીલ એસ.કે.વોરાનાઓની ધારદાર રજુઆતો આધારે નામદાર છઠ્ઠા અધિક સેશન્સ જજએ આરોપીને ભ્ર.નિ.અધિ.સને-૧૯૮૮ ની કલમ ૭ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ તથા રૂા.૨૫૦૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ૩ વર્ષની સખ્ત કેદ તથા રૂ.૨૫૦૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.