રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક છે. ત્યારે આ દિવસે બહેન પોતાના ભાઈને હાથ પર રાખડી બાંધીને પ્રેમ વ્યક્ત કરશે. ભાઈ જીવનભર તેની રક્ષા કરે અને ઈશ્વર તેના ભાઈને રક્ષા કરે એવા શુભ આશય સાથે બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષા બંધનનો તહેવાર. ત્યારે નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી. સમગ્ર સ્પર્ધાનાં આયોજન બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી કાંજીયા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.