ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. મોરબી જિલ્લામાં આજે રક્ષાબંધનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ભાઈના કાંડે બહેન દ્વારા બંધાતા દોરા (રાખડી)માં શ્રદ્ધા, ત્યાગ અને પ્રેમની ભાવનાનો ત્રિવેણી સંગમ હોય છે. ત્યારે આજે ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ટ્રાફિક કોન્સ્ટેબલો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીનાં જણાવ્યા અનુસાર, ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા આજરોજ રવાપર ચોકડીના નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલોને રાખડી બાંધી તેમના કામને બિરદાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના બેકાબુ ટ્રાફિકને ખૂબ કુશળતા પૂર્વક અને ધીરજ રાખીને હેન્ડલ કરતાં ટ્રાફિક કોન્સ્ટેબલનું ક્લબ દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ક્લબના મેમ્બર્સે હાજરી આપી આ શુભ કાર્યમાં પોતાની ફરજ નોંધાવી હતી. તેમજ આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ બાવરવા અને સાથી કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો.