ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત
મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર તેમજ મંજૂરી કરતા વધારે ગેસ સિલિન્ડર રાખી તેનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનોમાં મોરબી ફાયર વિભાગ તથા જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી ત્યારે શહેરના લખધીરવાસ ચોકમાં આવી જ સ્થિતિનું સર્જન થયું છે. જેમાં લખધીરવાસ ચોકમાં ચેતક ગેસ એજન્સી નામે આવેલ દુકાનમાં પણ સેફટીના કોઈ સાધનો વગર છૂટક તથા હોલસેલમાં ગેસના સિલિન્ડરનું વેચાણ થઈ રહ્યું હોય જેને લઈને લખધીરવાસ ચોક આજુબાજુ રહેતા તમામ લતાવાસીઓ દ્વારા આ ગેસ એજન્સી સામે ત્વરિત પગલાં લઈ સત્વરે આ બાબતનો યોગ્ય નિકાલ કરવા મોરબી જીલ્લા પુરવઠા વિભાગમાં લેખિત રજુઆત કરી છે.
લખધીરવાસ ચોક નજીક રહેતા લતાવાસીઓ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું કે લખધીરવાસ ચોકમાં ચેતક ગેસ એજન્સી નામની ગેસના સિલિન્ડર વિતરણની દુકાન આવેલ છે, જ્યાં છૂટક તેમજ હોલસેલ ગેસના બાટલાનું અતિરિક્ત વેચાણ થઈ રહેલ હોય, તેમજ કોઈપણ સેફ્ટી વગર અને જાનના જોખમે લોકો ત્યાં ગેસના બાટલા લેવા-દેવા માટેની અવર-જવર સતત ચાલુ હોય છે. તદુપરાંત, ગૅસના બાટલા ભરલે ટ્રક પણ ચોકમાં મુક્તા હોવાથી લતાવાસીઓ, બાળકો, તેમજ બાજુમાં પ્લે- હાઉસ પણ આવેલ હોય અને તમામ લોકોના જીવ ખૂબ જોખમમાં મૂકાતા હોય. આ ઉપરાંત, લખધીરવાસ ચોકમાં આર્ય સમાજનું મંદિર , રોકડિયા હનુમાંજીનું મંદિર આવેલ હોય જ્યાં લોકો દર્શને આવતા હોય, તેમજ ચોકમાં સ્કૂલની બસો બાળકોને લેવા મૂકવા માટે કાયમી ધોરણે આવતી હોય ગેસના બાટલાનું જોખમી વેચાણને લીધે બાળકોના જીવ પણ ખૂબ જોખમમાં મુકાય છે.
ત્યારે હાલમાં રાજકોટમાં જે ટીઆરપી ગેમઝોનમાં ગંભીર બાનવ બની ગયેલ હતો જે અત્યંત દુખદ ઘટના હતી ત્યારે આ લખધીરવાસ વિસ્તારમાં આવો કોઈ બનાવ બને તે પહેલા લતાવાસીઓ દ્વારા આ બાબતે ધ્યાન દોરવા માંગીએ છીએ અને જેનો નિકાલ સત્વરે મળે તેવી નમ્ર અપીલ સાથે રજુઆત કરવામાં આવી છે.