એપાર્ટમેન્ટ, હોટલ, ઓફિસોમાં કામ કરતા નેપાળ દેશના લોકોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત,ઘરઘાટીના ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવા અપીલ
મોરબી શહેરમાં મકાન, એપાર્ટમેન્ટ, હોટલ તથા ઓફિસોમાં કામ કરતા નેપાળ દેશના લોકો માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર સૂચનામાં જણાવાયું છે કે જે કોઈ પણ મકાન માલિકો, એપાર્ટમેન્ટ પ્રમુખો, ઓફિસ-માલિકો તથા હોટલ સંચાલકોના પાસે નોકરી કરતા ઘરઘાટી, રસોયા, ડ્રાઇવર, મજૂર અથવા અન્ય કોઈ પણ કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
પોલીસે જણાવ્યું છે કે ભવિષ્યમાં અનિચ્છનીય બનાવોથી બચવા આ પગલું લેવામાં આવ્યું છે. જે કોઈ આ નિયમનું પાલન નહીં કરે તેવા સામે કાનૂની પગલાં લેવામાં આવશે. જો મોરબીના ઘરો, એપાર્ટમેન્ટ, ઓફિસો અને હોટલોમાં નેપાળી કામદારોનું રજિસ્ટ્રેશન નહીં કરાવાયેલું હોય તો જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.
મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા છેલ્લા સાત દિવસથી ચેકીંગ-ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં નેપાળી કામદારોના રજિસ્ટ્રેશન નહીં કરાવનાર અનેક લોકો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે, હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લોકોને પોલીસ મથકમાંથી ઘરઘાટી ફોર્મ મેળવી નેપાળી લોકોની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.