દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
મોરબી:રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર તથા જીલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જીલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ અને બહેનો અલગ- અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
મોરબી જીલ્લા કક્ષાએ માનસિક રીતે ગ્રસ્ત (MR), શારીરિક રીતે ગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) તેમજ રાજ્ય કક્ષાએ સેરેબલ પાલ્સી (CP) કેટેગરીના ખેલાડીઓ મહતમ સંખ્યામાં ભાગ લે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
ઉપરોક્ત સ્પર્ધાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને ખેલાડીઓએ મોડામાં મોડા આગામી તારીખ ૧૦ જાન્યુ.૨૦૨૫ સુધીમાં જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમશાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-ર ખાતે કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે.
સુનિશ્ચિત સમય મર્યાદા વિત્યા બાદ અત્રેની કચેરીને મળેલા અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ અંગે વધુ વિગતો મેળવવા માટે જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીનો સંપર્ક સાધી શકાશે. તેમ જીલ્લા રમત વિકાસ અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.