મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે લોકોના સપના ઉપર પણ પાણી ફરી વળ્યું છે. મોરબી શહેરીજનોને એમ હતું કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા ની સાથે જ તમામ જાતની સુવિધાઓ જે પાયા ની સુવિધાઓ કહેવાય છે રોડ-રસ્તા, લાઈટ, પાણી, ગટર તમામ સુવિધાઓ તેમને મળવા લાગશે પરંતુ એ સપનું સપનું જ માત્ર રહ્યું. મોરબીની ચિત્રકુટ સોસાયટી છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અનેક વખત સરકારને રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા અંતે સ્થાનિકોએ મોરબીમા પણ “વિસાવદર” વાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગઈકાલે તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ ચિત્રકુટ સોસાયટીના આશરે ૧૫૦ થી વધુ પ્રજાજનો એકત્રિત થયા હતા. અને જણાવ્યું હતું કે, ચિત્રકુટ ૧ થી ૩ અને ૬ નંબરમાંમાં આશરે ૩૦ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં રોડ, રસ્તા, લાઇટ તેમજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ વિસ્તારમાં મોટાભાગની સુવિધાઓ જેવી કે સીસીટીવી અને લાઇટની વ્યવસ્થા સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પ્રજાજનોને પડતી હાલાકીની કોઇ જ ચિંતા કોર્પોરેટર કે ધારાસભ્યને હોય એવુ લાગતુ નથી. એક બાજુ ચિત્રકુટ સોસાયટી અને આજુબાજુનો વિસ્તાર “ભાજપનો ગઢ” ગણાય છે. પરંતુ હવે જો કામગીરી નહી કરવામાં આવે તો આવનારા સંજોગોમાં કદાચ આ ગઢમાં ગાબડા પડશે એ ચોક્કસ છે. હાલ દરેક કામગીરી ઠપ્પ થઇ ગઇ હોય એમ એક જ જવાબ મળે છે કે મહાપાલિકા થઇ પછી કામ થતાં નથી. તો શુ ધારાસભ્યની કોઇ જ જવાબદારી નથી ? આ અગાઉ પણ ચિત્રકુટ સોસાયટીના રહીશો દ્વારા પાંચ વખત ધારાસભ્યના ઘરે જઇને રજુઆત કરવામાં આવી છે. તેમજ ત્રણ વખત લેખિત રજૂઆત કરેલ છે. મનપા કમિશ્નર પાસે પણ લેખિત રજુઆત કરેલ હોવા છતાં આ લોકો રસ લઇને મોરબી માટે મહત્વનો ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં કામગીરી કરાવતાં નથી. ત્યારે આવનારા સમયમાં જોવાનુએ રહ્યુ કે આ સોસાયટીમાં કામ થશે કે “વિસાવદર” વાળી ?થશે તે જોવું રહ્યું.