મોરબી શાંતિવન પ્રાથમિક શાળા પાસે ગોરખીજડીયા રોડના શ્રી નિધિ પાર્ક સોસાયટીના તમામ રહીશોએ એકત્રિત થઈ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના શાંતિવન પ્રાથમિક શાળા પાસે ગોરખીજડીયા રોડના શ્રી નિધિ પાર્ક સોસાયટીના તમામ રહીશોએ એકત્રિત થઈ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે ત્યા રહેતા તમામ ગરીબ નબળા વર્ગના છે. અને તેમની સોસાયટીમા ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા મોરબી દ્વારા વર્ષો પહેલા ભુગર્ભ ગટર લાઇન નાખવામા આવી હતી. જે લાઇન જુની અને જર્જરીત થવાથી ગટર લાઈન બંધ થઈ ગઈ છે. અને ગંદા પાણીનો સોસાયટીમાં જાહેર રસ્તાઓ અને શેરીઓમા ભરાવો થવાથી ગંભીર પ્રકારની બિમારીમા લોકો સંપડાયેલા છે. તેમજ ગટરનુ પાણી અને પીવાના પાણીની લાઇન બન્ને ડેમેજ થવાથી પીવાના પાણીમા ગંદુ પાણી ભળી જવાથી સોસાયટીના લોકો ગંભીર બિમારીમા પથારીવશ થયેલ છે. વારંવાર મોરબી નગર-પાલિકાના જવાબદાર અધિકારીને જાણ કરવા છતા અમારી ન્યાયી માંગણી પ્રત્યે નિષ્ક્રિય અને નકારાત્મક ભૂમિકા ભજવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ નગરપાલિકા મોરબીના ભ્રષ્ટ વહીવટના કારણોસર અમારી સોસાયટીમાં મંજુર થયેલ ભુગર્ભ ગટર તેમજ પાણીની લાઇન અન્ય વિસ્તારમાં નાખવાથી સોસાયટીના લોકોને અન્યાય થયો છે. તેથી સ્થાનિક આગેવાનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો નિકાલ કરી સ્વચ્છ પીવાના પાણીનો પુરવઠો શરૂ કરવા સંબંધિત વિભાગને હુકમ કરવામાં આવે તેમજ તાત્કાલિક નવી ભુગર્ભ ગટર લાઇન અને પાણીની લાઇન મંજુર કરવા રજૂઆત કરાઈ છે. તેમજ યોગ્ય કામગીરી નહિ થાય તો અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે.