યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારી દ્વારા આઝાદીના આ પાવન પર્વે દેશના દરેક નાગરિક તથા વિશ્વભરમાં વસતા સૌ ભારતીયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અને કહ્યું હતું કે, આ પર્વ ફક્ત તહેવાર નથી. આ છે નવો સંકલ્પ, નવો ઉમંગ અને નવી ઊર્જા લઈને રાષ્ટ્રને નવી ઊંચાઈએ પહોંચાડવાનો પવિત્ર અવસર.
યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારી દ્વારા નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો છે કે, આજે આપણે જે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ લાખો મહાપુરુષોનું બલિદાન, ત્યાગ અને તપસ્યાની અમર ગાથા છે. હસતા હસતા ફાંસીના ફાંસાને ચુમનારા ક્રાંતિવીરો, રક્તના ટીપાંથી તિરંગાને રંગીન બનાવનાર શહીદો, અને અવિરત સંઘર્ષ કરનાર અગણિત મહાપુરુષો…તેમની જ કૃપાથી આજે આપણે સ્વરાજ્યના આકાશ નીચે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ. આઝાદીના આ પાવન પર્વે દેશ માટે મરવાની તક ન મળતી હોય તો પણ દેશ માટે જીવવાની તક જરૂર લઈએ. દેશ માટે જીવીને દેખાડીએ, કંઇક કરી બતાવીએ, પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને બીજાને પણ રાષ્ટ્રીય ફરજ માટે પ્રેરિત કરીએ. એક સમાજ – એક સપનું – એક સંકલ્પ – એક દિશા આ માર્ગે ચાલીને જ આપણે શક્તિશાળી અને અખંડ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. આવો, મહાપુરુષો અને શહીદ સૈનિકોને નમન કરીએ, જળ–થલ–નભમાં રાષ્ટ્રરક્ષા માટે જીવન અર્પણ કરનાર વીરોના શૌર્યને સ્મરણ કરીએ.સકારાત્મક ચિંતન, આશાવાદી વૃત્તિ અને રાષ્ટ્રહિતની દૃષ્ટિ અપનાવી વિચારોમાં ક્રાંતિ લાવીએ અને ઉજ્જવળ ભારત બનાવીએ.