થુકવાના બહાને ધ્યાન ભટકાવી રીક્ષામાં બેઠેલા અજાણ્યા ઈસમોએ વેપારીનું ખિસ્સું હળવું કર્યું.
વાંકાનેર શહેરમાં લૂંટારું રીક્ષા-ગેંગ ફરી સક્રિય બની હોવાનું સામે આવ્યું છે. દાણાપીઠ ચોકથી લક્ષ્મીપરા તરફ રીક્ષામાં જતા વેપારીની નજર ચૂકવી રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા અજાણ્યા ઈસમોએ ખિસ્સામાંથી રૂ.૪૨ હજાર સેરવી લીધા હતા. હાલ બનાવ અંગે વેપારીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરીયાદી જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રા ઉવ.૫૫ સોપારી-તમાકુના વેપારના ધંધાર્થી છે, ત્યારે ગત તા.૦૩/૦૧/૨૦૨૬ના રોજ બપોરે તેઓ વેપારના રોકડા રૂ.૪૨,૦૦૦ સાથે વાંકાનેર દાણાપીઠ ચોકથી લક્ષ્મીપરા તરફ જવા માટે રોડ ઉપર એક રીક્ષામાં બેઠા હતા. ત્યારે રીક્ષામાં અગાઉથી ત્રણ અજાણ્યા ઈસમો બેઠેલા હતા. રીક્ષા ચાલતી હતી તે દરમિયાન એક ઈસમે થુકવાના બહાને ફરીયાદીની નજર ભટકાવી હતી. આ દરમિયાન અન્ય ઈસમે ફરીયાદીના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.૪૨,૦૦૦ની ચોરી કરી લીધી હતી. થોડા સમય બાદ વેપારીએ ખિસ્સું તપાસતા રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા ફરીયાદીએ તાત્કાલિક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ દ્વારા આરોપી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસની તજવીજ શરૂ કરી છે.









