મોરબી માર્ગ અને મકાન (પંચાયત વિભાગ) દ્વારા દબાણો દૂર કરવાની કામગિરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે સવારથી શરૂ થયેલા આ કામગીરીમાં દુકાનોના છાપરા, હોર્ડિંગ અને ૧૦૦ થી વધુ કાચા પાકા બાંધકામો તોડીને હટાવી દેવામાં આવનાર છે.
મોરબીમાં માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ ચાલશે જેમાં સાત કિલોમીટરના રોડને દબાણ મુક્ત બનાવી દેવામાં આવશે. જે અંગે માહિતી આપતા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે ગત તા.9 અને 13 જાન્યુઆરીના રોજ દબાણ કર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ રોડ પર દબાણો હટ્યા નથી.
જેથી હવે આ રોડને પહોળો કરવાનો હોવાથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ ક૨વામાં આવી છે. જો કે નોટિસો આપવામાં આવી એટલે મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ તેમનાથી જેટલા દબાણ દૂર થઈ શકતા હતા એટલા દબાણ દૂર કરી નાખ્યા છે. જેને દબાણો દૂર નથી કર્યા એવા ૧૦૦ થી વધુ આસામીઓનું દબાણ હટાવવામાં આવશે. લખધીરપુર ચોકડીથી લખધીરપુર ગામ સુધીના 7 કિમીના રૂટ ઉપર બે દિવસ દબાણ હટાવ ઝુંબેશ ચાલશે જેમાં 70 દુકાનોના છાપરા, 50 હોર્ડિંગ અને 112 કાચા પાકા બાંધકામો તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં હવે ઘૂંટુ રોડ, લીલાપર રોડ સહિતના રોડ ઉપર પણ દબાણ હટાવવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.