રાજ્યભરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે શહેરથી માંડીને અનેક ગામડાઓના રસ્તા ધોવાતા માર્ગોની હાલત ખખડધજ બની છે.જેને રીપેર કરવા રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન આગામી તા. 1 થી 10 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ગામડાંના નાના રસ્તાથી માડી શહેરના હાઇવે પર વરસાદને કારણે નુકસાન થયેલ આ રસ્તાઓનું મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. જેમાં નવો અખતરો કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ નાગરિકે પોતાની આસપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે. મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અપીલ કરી છે.