મોરબીના માધાપરવાડી વિસ્તારમાં માર્ગ સલામતી જાગૃતિ માટે બાળકોએ રેલી યોજી
મોરબી, અત્રેની જાણીતી શાળા માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મોરબી સીટી પોલીસ એ ડિવિઝન દ્વારા રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં પોલીસ ઇન્સપેક્ટર પી.આર.સોનારા,તેમજ પોલીસ સ્ટાફ જયદીપભાઇ ડાભી, પુનમબેન ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ તમામ પોલીસ જવાનાનું અભિવાદન કર્યું
હતું.ત્યારબાદ પી.આર.સોનારાએ ટ્રાફિકના નિયમોની વ્યવસ્થિત સમજ આપતા જણાવ્યું હતું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે,જો લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય, ત્યારબાદ પી.આર.સોનારા પોલીસ ઇન્સપેક્ટરે વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી કરતા વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગે ખુબજ સરસ જવાબો આપતા જણાવ્યું કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવું જોઈએ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો,શીટબેલ્ટ બાંધી રાખવો જોઈએ, ડાબી-જમણી બાજુ વળતી વખતે સાઈડ લાઈટ બતાવવી જોઈએ. રોડ વચ્ચે વાહન ઉભું ન રાખવું.નાના બાળકોએ વાહન ન ચલાવવા જોઈએ, અકસ્માત થાય ત્યારે ટોળે ન વળતા ઘાયલ થયેલાને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ ઘાયલ થયેલાને બચાવવા 108 ને કોલ કરવો જોઈએ વગેરે સુંદર જવાબો વિદ્યાર્થીઓએ આપ્યા હતા ત્યારબાદ અકસ્માત એકને, સજા અનેકને, ઝડપની મજા મોતની સજા, જેવા સૂત્રોચ્ચાર સાથે બેન્ડના નાદ સાથે માર્ગ સલામતી જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી,સમગ્ર કાર્યક્રમની સફળતા માટે બંને શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.