મોરબી જિલ્લા પોલીસની સતર્કતા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશને ધ્યાન લઇને લૂંટ થયાની મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં પોલીસની સમય સૂચકતાથી અને સતર્કતાથી મોટી રકમની લૂંટ કરનાર આરોપીઓને મુદામાલ સાથે ગણતરીની મિનિટોમાં મોરબી પોલીસે પકડી પાડતાં ઉચ્ચ અધિકારીઓએ મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું.
અશોકકુમાર(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત તેમજ શરીર સબંધીત ગુનાઓ બનતા અટકાવવા પોલીસનો તાત્કાલિક રિસ્પોન્સ અને જરૂરી સમય સૂચકતા વાપરી પોલીસની સતર્કતા દાખવવા મોકડ્રીલનું આયોજન કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ કાર્યવાહિ માટે કટીબધ હતા. ત્યારે આજરોજ મોરબી પોલીસ કંટ્રોલરૂમમાં એક ભોગબનનારે ફોન કરીને જણાવ્યું કે, મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ક્રેટા ગાડીમાં અજાણ્યા માણસોએ ભોગબનનારને પિસ્તોલ બતાવી તેની પાસેથી ૪૬,૦૦,૦૦૦/- રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ક્રેટા ગાડી લઈ હળવદ તરફ નાસી ગયા છે. જે ફોનના આધારે મોરબી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી રેડ એલર્ટની સ્કીમ મુજબ તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જવા સૂચના મળતાં તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ સમય મર્યાદામાં પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જઈ લૂંટ કરીને નાસી જનાર ક્રેટા કાર તેમજ આરોપીઓને પકડી પડવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ ચાલુ કર્યું હતું. તે દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગર તરફથી હળવદ તરફ જતી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીએ પોતાની ટીમ સાથે ક્રેટા ગાડીનો પીછો કરી પોલીસ ઇન્સ્પેક્ટર હળવદે કૃતેહ પૂર્વક સમય સૂચકતા દાખવી રોડ ઉપર ટ્રાફિક જામ કરાવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન ક્રેટા ગાડી ટ્રેપમાં આવી જતા તે ગાડીને રોકી ચેક કરી મુદામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ કરતા પોલીસ અધિક્ષક મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસની સર્તકતા તપાસવા માટે રેડ એલર્ટની મોકડ્રીલ કરી હોવાનું જણાવતા મોરબી પોલીસે હાસકારો અનુભવ્યો હતો.