(ટંકારા), તા. 19 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ ઝાકળનો દોર ચાલી રહ્યો છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા) દ્વારા આપવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આ ઝાકળનો રાઉન્ડ આજે (19 જાન્યુઆરી) અને આવતીકાલ (20 જાન્યુઆરી) સુધી ચાલુ રહેશે. આવતીકાલ સાંજથી પવનમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે 21 અને 22 જાન્યુઆરીએ ઝાકળની શક્યતા ઘટી જશે. ત્યારબાદ 23 જાન્યુઆરીથી ફરી ઝાકળ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
મોરબી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં 19 થી 25 જાન્યુઆરી દરમિયાન માવઠા (કમોસમી વરસાદ)ની કોઈ શક્યતા નથી. આ સમયગાળામાં ગુજરાતમાં સુકું વાતાવરણ જળવાઈ રહે તેવું સૂચવે છે. 22 જાન્યુઆરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ઉત્તર ભારતને અસર કરશે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે.ગુજરાતમાં આની સીધી અસર નહીં પડે, પરંતુ એકાદ દિવસ ઘાટા વાદળ છવાઈ શકે છે અને ક્યાંક છાંટા-છુંટા વરસાદ પણ પડી શકે છે. જોકે મોટા પાયે વરસાદ કે માવઠાની સ્થિતિ નહીં બને. તાપમાન અને પવનની સ્થિતિ આગાહીના સમયમાં લઘુત્તમ તાપમાન 12થી 15 ડિગ્રીની આસપાસ રહેશે.
24 જાન્યુઆરીએ તાપમાન 10 ડિગ્રી આસપાસ જતાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
પવન અમુક દિવસ પશ્ચિમ દિશામાંથી અને અમુક દિવસ ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે.
પવનની ઝડપ મોટાભાગે સામાન્ય રહેશે, પરંતુ આગાહીના છેલ્લા દિવસોમાં સામાન્યથી વધુ ઝડપે ફૂંકાઈ શકે છે.









