આંગડિયા પેઢીમાંથી રોકડા લઈ સીરામીકના કર્મચારીએ થોડી વાર બાઈક રેઢું મૂક્યું એટલી વારમાં ગઠિયો કળા કરી ગયો
મોરબી : મોરબીમાં લોકોની માલમતાની કોઈ સલામતી જ ન હોય એ રીતે લૂંટારું, ગઠિયા અને તસ્કરોએ માજા મૂકી હોય તેની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી છે. મોરબીના ભરચકક વિસ્તારમાં બાઇકની ડેકીમાંથી રૂ.૧૦.૫૮ લાખની તફડંચી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આંગડિયા પેઢીમાંથી રોકડા લઈ સીરામીકના કર્મચારીએ થોડી વાર બાઈક રેઢું મૂક્યું એટલી વારમાં ગઠિયો કળા કરી ગયો હતો.
મોરબી શનાળા રોડ શકિતપ્લોટ શેરીનં.૮ નવકાર હાઇટસ ફલેટનં ૪૦૧ માં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવી (ઉ.વ.૪૦) ગઈકાલે પોતાના બાઈક ઉપર મોરબીમાં આંગડિયા પેઢીમાં પોતાની કંપનીના પૈસા લેવા આવ્યા હતા અને આંગડીયા પેઢીમાથી રૂપીયા. ૧૦,૫૮,૯૦૦/ લઇને તેમના એકસેસ મોટર સાયકલ નં. જીજે-૩૬-ઇ-૮૯૪૧ ની ડેકીમા રાખેલ હોય બાદ આગળ જઇ તેઓ મોરબી રવાપર રોડ ડાયમંડ બેકરી પાસેથી દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. તેઓ બાઈક જ્યાં પાર્ક કર્યું હતું તે બાઈકની ડેકી અજાણ્યા ઇસમએ ખોલી રૂ.૧૦,૫૮,૯૦૦ ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ભરચકક વિસ્તારમાં આ ઘટના બનતા દેકારો બોલી ગયો હતો. બાદમાં તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.