ચાઈનાથી ભારતમાં આયાત થતી ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા સાંસદ મારફતે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. રજુઆત રંગ લાવી હોઇ તેમ કેન્દ્ર સરકારે ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર 10 રૂપિયા ટેક્સ નાખ્યો છે. જેને પગલે મોરબીની ટાઈલ્સનું વેચાણ વધે અને મોરબીના સીરામીક ઉદ્યોગમાં નવા પ્રાણ પુરાય તેવી ઉદ્યોગકારો સોનેરી આશા સેવી રહ્યા છે.
મોરબીમાં બનતી ટાઇલ્સની સરખામણીએ ચાઇનાની ટાઇલ્સ સસ્તી હોવાથી કરાતા ભારતના મોટા ભાગના રાજ્યો ચાઈનીઝ ટાઇલ્સ ખરીદી રહ્યા હતા. આથી મોરબી સિરામીક એસોશિએશન દ્વારા ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવા સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથે કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરવામાં આવી હતી. રજુઆત બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક આ દિશામા પગલાં લઈ ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર ફૂટ રૂપિયા 10 જેટલી ડમ્પિંગ ડ્યુટી નાખી છે.
ચાઈનીસ ટાઇલ્સના આક્રમણને પગલે મોરબી સીરામીક ઉદ્યોગને મોટા પાયે ફટકો પડયો હતો હવે સરકાર દ્વારા ડ્યુટી લાદવામાં આવતા ચીની ટાઇલ્સ મોંઘી થશે અને મોરબીની ટાઇલ્સની બજારમાં માંગ વધે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યા છે. આથી મંદીના માંચડે ઝૂલતા મોરબી સીરામીક ઉદ્યોગમાં તેજીનો સંચાર થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. જેથી ઉદ્યોગકારોમાં પણ ખુશી જોવા મળી રહી છે.