Friday, November 15, 2024
HomeGujaratમોરબીમાં ગણેશ ચતુર્થીને લઇને પ્રતિમા બનાવવા તેમજ પ્રતિમાની ઊંચાઈ સહિત વિસર્જન યાત્રા...

મોરબીમાં ગણેશ ચતુર્થીને લઇને પ્રતિમા બનાવવા તેમજ પ્રતિમાની ઊંચાઈ સહિત વિસર્જન યાત્રા માટે નિયમો જાહેર કરાયા:શું છે નિયમો?વાંચો અહી

પીઓપીની મૂર્તિ બનાવવા અને ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન કરવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૦૭/૦૯/૨૦૨૪ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓને સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમાં દિવસે અને સાતમા દિવસે મોટા ભાગના ભાવિકો દ્વારા મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી ગણેશજીની મૂર્તિઓને તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે.

મૂર્તિઓના વિસર્જનથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકારથી દ્વારા પાડવામાં આવેલ ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડ લાઈનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવ નિમિતે મૂર્તિ સ્થાપના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી/કુદરતી જળ સ્ત્રોતોમાં થતું પ્રદુષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા અનુસાર ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણીના ઉપયોગ માટે લેવાના જળસ્ત્રોનો જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ વિસર્જન કરવું નહીં. મૂર્તિકારો જે જગ્યાઓ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં.

શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના બાદ બિનવારસી હાલતમાં મુકવી નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવી, ખરીદવી કે વેચવી તેમજ સ્થાપના કરવી નહીં. ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા નહીં. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવી નહી.

સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં. સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સરઘસ કાઢવા નહીં. આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી.

જાહેરનામા મુજબના પ્રતિબંધાત્મક હુકમો તા.૧૭/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!