ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. પાછલા એક મહિનાથી રાજ્યમાં ચાઇનીઝ દોરીથી મોત અને ગંભીર ઇજાઓની ઘટના બની રહી છે. ત્યારે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગઈકાલે બે ઈસમોને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડયા હતા.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિજન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે ત્રાજપર ગામ પાછળ મયુર સોસાયટી શેરી નં.૬ માં રાહુલભાઇ સુરેશભાઇ મકવાણાનાં રહેણાંક મકાન પાસે ખોડિયાર પાનનામની દુકાન પાસે રેઇડ કરવામાં આવી હતી અને રાહુલભાઇ સુરેશભાઇ મકવાણાને ૦૭ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો)નાં રૂ.૧,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે, ચેતનભાઇ ગેલાભાઇ સારલાના રહેણાંક મકાન સહજાનંદનગર, રાણેકપરરોડ મોરબી ખાતે રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી આરોપી ચેતનભાઇ ગેલાભાઇ સારલાની ૨૪ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો)નાં રૂ.૪૮૦૦/- નાં મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે.