મોરબી શહેરની વાવડી ચોકડી નજીક ખેતરમાંથી લોહીથી ખરડાયેલ યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી છે.ટીંબડી ગામ નજીક આવેલ સેલ્સ એજન્સીના ગોડાઉનમાં રહેતા મૂળ પોરબંદરના ઓડેદર ગામના વતની રાજેશભાઇ કાંતિલાલ જોષી નામના યુવકના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી તેમજ શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.જ્યારે માલની ડિલિવરી કરવા ઉપયોગમાં લેવાતું છોટાહાથી વાહન રોડ ઉપર રેઢું મળી આવ્યું છે, જે વાહનનો આગળનો કાચ તૂટેલો હોય અને મૃતકની કલેક્શન બેગ પણ ખાલી હોય ત્યારે આ ભેદભરમયુક્ત સર્જાયેલ હત્યાના બનાવથી મોરબી મંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલ પોલીસે ચકચારી હત્યા કેસની નોંધ કરી અજાણ્યા હત્યારા આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યાની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન પોરબંદરના ઓડેદર ગામનો વતની હોય અને છેલ્લા એક મહિનાથી ટીંબડી ગામના બોર્ડ નજીક ગુજરાત એસ્ટેટમાં આવેલ નિખિલભાઈ બારેજીયાની રાધિકા સેલ્સ એજન્સીમાં સેલ્સમેન કમ છોટાહાથીના ચાલક તરીકે નોકરી કરી અને તે એજન્સીના ગોડાઉનમાં જ રહેતો હોય. રાધિકા સેલ્સ એજન્સીમાં બાલાજી વેફર્સ એન્ડ નમકીનનું હોલસેલમાં વેચાણ થતું હોય જેથી દિવસ દરમિયાન મૃતક રાજેશભાઇ મોરબી અને આજુબાજુના વિસ્તારમાં છોટાહાથી વાહનમાં નમકીનના માલની ડિલિવરી અને કલેક્શન કરી સાંજે ગોડાઉન ખાતે પરત આવી માલનો હિસાબ આપી હાલ કોઈ મકાન ન હોય જેથી રાજેશભાઇ ગોડાઉનમાં જ સુતા અને ત્યાંજ રહેતા હતા.
ગઈ તા.૦૧/૧૨ના રોજ મૃતક રાજેશભાઈ પોતાના નિત્યક્રમ મુજબ સવારના અરસામાં છોટાહાથી રજી.નં. જીજે-૦૩-એએક્સ-૮૬૭૧ માં માલ ભરીને મોરબી ટાઉન વિસ્તારમાં સેલ્સ કરવા નીકળ્યા હતા. જે સાંજ થતા ગોડાઉને પરત ન આવ્યા જેથી સાથે કામ કરતા પ્રકાશભાઈએ રાજેશભાઇના મોબાઈલમાં રાત્રીના ૧૧ વાગ્યે કોલ કરતા રાજેશભાઈએ કોલ રિસીવ કર્યો ન હતો. ત્યારે બીજા દિવસે તા.૦૨/૧૨ ના રોજ રાધિકા સેલ્સ એજન્સીના માલીક નિખિલભાઈને રાજકોટ-મોરબી રૂટના ધંધાર્થી વાહન ચાલક દ્વારા ટેલિફોનિક જાણ કરી જણાવવામાં આવ્યું કે તમારી એજન્સીનું છોટાહાથી મોરબી વાવડી ચોકડીએ છે અને ચાલક રાજેશભાઈનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી નિખિલભાઈ ઉપરોક્ત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મૃતક રાજેશભાઈનો લોહીથી ખરડાયેલ મૃતદેહ પડ્યો હતો અને તેના માથામાં બોથડ પદાર્થના ઘા મારી શરીરે મૂંઢ ઇજાઓ કરી હત્યા કરાયેલ લાશ પડી હતી. તેમજ છોટાહાથી વાહનનો આગળનો કાચ તૂટેલો અને અંદરનો સામાન વેર વિખેર પડ્યો હોય તેમજ મૃતકની કલેક્શન બેગ એકદમ ખાલી મળી આવી હતી.
હાલ હત્યાના બનાવ અંગે રાધિકા સેલ્સ એજન્સીના માલીક નિખિલભાઈ શિવલાલ બારેજીયા ઉવ.૩૭ રહે. મોરબી-૨ સર્કિટ હાઉસ બાજુમાં વિકાસ શોપિંગ સેન્ટર પાછળ ગોડાઉનમાં મૂળરહે ભરતનગર નવા સાદુળકા ગામ તા.જી.મોરબીવાળાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા હત્યારા આરોપી સામે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.