ભવ્યાતિ દિવ્ય સમારોહ: ગુરુવર્ય દયાનંદગીરી બાપુનો સંકલ્પ શિષ્ય અમરગીરી બાપુએ સિદ્ધ કર્યો
ચરાડવા શ્રી મહાકાળી આશ્રમ દ્વારા આયોજિત ‘સંકલ્પ સિદ્ધ’ પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જે અંતર્ગત દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધ્વજાજી અર્પણ કરવામાં આવી. આ પદયાત્રા પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય શ્રી દયાનંદગીરી બાપુની દ્વારકા દર્શન અને ધ્વજા ચઢાવવાની ભાવનાને સાર્થક કરવા માટે યોજાઈ હતી. પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરી બાપુએ ખુલ્લા પગે ચાલીને અને ગુરુવર્યની પ્રતિમાને વ્હીલચેરમાં બેસાડીને જાતે વ્હીલચેર ચલાવીને ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ચરાડવા શ્રી મહાકાળી આશ્રમથી શરૂ થયેલી ઐતિહાસિક ‘સંકલ્પ સિદ્ધ’ પદયાત્રા દેવભૂમિ દ્વારકાધીશના ધામમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ. આ પદયાત્રા બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરી બાપુની બ્રહ્મલીન તિથી અને સમાધિ સમયે યોજાઈ હતી, પૂજ્ય મહંત શ્રી અમરગીરી બાપુએ નેતૃત્વ કર્યું હતું ગુરુવર્યની પ્રતિમાને વ્હીલચેરમાં બેસાડી, પોતે ખુલ્લા પગે ચાલીને અને વ્હીલચેર ચલાવીને ગુરુ પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા દર્શાવી હતી. 52ગજની ધ્વજાજી સાથે 200થી વધુ ભક્તજનો (બહેનો-ભાઈઓ) આ સંઘમાં જોડાયા હતા.
ચાર રથ, એક આઈસર ગાડી, એક ટેમ્પો, એક બોલેરો અને એક બાઈક સાથે ડીજેના તાલે ગાજતે-વાજતે આ વિશાળ સંઘ દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યો હતો. મંદિરના બ્રાહ્મણો દ્વારા ધ્વજાની પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી રણછોડ ધર્મશાળાથી ઢોલ-નગારાના નાદ અને વાજતે-ગાજતે પદયાત્રા મંદિર તરફ રવાના થઈ. આ ઐતિહાસિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દેવભૂમિ દ્વારકા પોલીસે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.
મંદિર ચોકમાં ભક્તો નાચ્યા-રમ્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેવભુમિની બજારો “જય દ્વારકાધીશ” અને “જય મહાકાળી માતાજી”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી હતી. હજારો ભાવિકોએ દ્વારકાધીશના દર્શન તેમજ ધ્વજાના દર્શનનો અદ્ભુત લાભ લીધો હતો. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં શ્રી કીરીટભાઈ ગણાત્રા કાકા (અકિલા સાંધ્ય દૈનિક)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત અનેક નાંમકિત રાજકીય સામાજિક અને ધાર્મિક સંગઠનોના ગણમાન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા આ પદયાત્રા અને ધ્વજારોહણથી ભક્તોમાં અપાર ઉત્સાહ અને દિવ્ય ભક્તિનો માહોલ જોવા મળ્યો.









