આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે મોરબી ઓમશાંતિ વિદ્યા સંકુલ જૂની RTO કચેરી સામે સંસ્કૃત પ્રદર્શની તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સંસ્કૃત ભારતી-સૌરાષ્ટ્ર પ્રાંતના આયોજન હેઠળ પ્રાંતીય સંમેલન મોરબી ખાતે યોજાશે. આગામી ૨૮, ૨૯ ડિસેમ્બરના રોજ મોરબી મુકામે સંસ્કૃતભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું પ્રાન્ત સંમેલન યોજાશે કાર્યક્રમમાં સંસ્કૃત પ્રદર્શની, ઉદ્ઘાટન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાપન કાર્યક્રમનો સમાવેશ થશે.
સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના ૩૮ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. ત્યારે આવા ૪૦૦ થી વધારે કાર્યકર્તાઓનું દ્વિતીય પ્રાંતીય સંમેલન ડિસેમ્બર માસની ૨૮,૨૯ તારીખે ટી.ડી.પટેલ સંચાલિત શ્રીઓમ શાંતિ વિદ્યા સંકુલ (કંડલા બાય પાસ, જુના RTO ની બાજુમાં, ઉમા રિસોર્ટની સામેં) યોજાવા જઇ રહ્યું છે.
આ સંમેલનમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૫ જીલ્લાઓમાંથી કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહેશે. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કરશે. આ સંમેલનમાં સંસ્કૃત સંગઠનનું અભૂતપૂર્વ દર્શન થશે. જેમાં વિજ્ઞાન પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, શાસ્ત્ર પ્રદર્શની, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્ય પ્રદર્શની, યજ્ઞશાલા મંડપ, સંસ્કૃત ગૌરવ પરીક્ષા મંડપ, પત્રાચાર દ્વારા સંસ્કૃત મંડપ, સંભાષણ સંદેશ મંડપ, સંસ્કૃત ભાષામાં મોરબીમાં પ્રથમવાર યોજાનાર આ સંમેલનનું ધ્યાનાકર્ષણ રહેશે. આ સંમેલનને સફળ બનાવવા માટે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતી જુનાગઢ ના અધ્યક્ષ દાનીરાયજી હવેલીના આચાર્યશ્રી પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ચેતનભાઈ ત્રિવેદી, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી લલીતભાઈ પટેલ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, અન્ય સંસ્કૃત પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ મદદ કરી રહ્યા છે.
મોરબીની જાહેર જનતા માટે અને સૌરાષ્ટ્રના લોકો માટે પ્રદર્શનીઓનું ઉદઘાટન ૨૮ તારીખે સવારે ૧૧ વાગ્યે કરવામાં આવશે. જેથી તેઓ આ દુર્લભ ક્ષણોને માણી શકે. અને બાહ્ય રીતે આ સંમેલનના સહભાગી બની શકે. જાહેર જનતા માટે રાત્રે ૯ કલાકે સંસ્કૃતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. જેમાં ઘણા બધા કાર્યક્રમો સંસ્કૃતમાં પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ આ સંમેલનનું ઉદ્ઘાટન ૨૮ તારીખે બપોરે ૨ કલાકે રાખવામાં આવેલ છે, જેમાં ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ તેમજ નામાંકિત કથાકારો, સાધુ- સંતો અને મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે. તેમજ સમાપન કાર્યક્રમ ૨૯ તારીખે બપોરે ૨ કલાકે રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના પ્રાંત અધ્યક્ષ સુકાન્તકુમાર સેનાપતિ , મંત્રી પંકજભાઈ ત્રિવેદી અને સહમંત્રી લલીતભાઈ , સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ , તેમજ મોરબી સંસ્કૃત ભારતી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના અનેક કાર્યકર્તાઓ દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા છે.
આ પ્રાંતીય સંમેલન સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને સંસ્કૃત પરંપરાનું જતન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. વધુ માહિતી માટે કિશોરભાઈ શુકલ(જનપદ સંયોજક, મોરબી) મોબાઇલ: 98257 41868 સંસ્કૃત ભારતી-સૌરાષ્ટ્ર પ્રાંત વતીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.









