મોરબી અને માળિયા તાલુકામાં વધુ વરસાદ થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જેથી રાજપર (કું), બગથળા, માણેકવાડા, જેપર, દેરાળા, ગોરખીજડીયા, માનસર અને બીલીયા એમ આઠ જેટલા ગામોના સરપંચોએ મોરબી અને માળીયા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પત્ર લખી લેખિત રજુઆત કરી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા ગામ તથા આજુ-બાજુનાં તમામ ગામોમાં તા.૦૩/૦૬/૨૦૨૨થી ૨૭/૦૮/૨૦૨૨ સુધી સતત વરસાદ પડેલ છે. અને જરૂરિયાત કરતા ૧૫૦ થી ૨૦૦ % વરસાદ પડેલ છે. જેના કારણે વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયેલ છે. તેમજ બે થી ત્રણ વખત વાવણી કરેલ છે. છતાં પણ નિરંતર વરસાદને કારણે નિષ્ફળતા હાથ લાગી છે. અને ૮૦% વાવેતર કરવાનું પણ બાકી છે. આ પરિસ્થિતિમાં કૃષિ મંત્રીને પણ વાકેફ કરવામાં આવ્યા છે. તેમ છતાં હજુ લીલો દુકાળ જાહેર કરવામાં આવ્યો નથી. જેથી આ ગામનો તાત્કાલિક સર્વે કરાવી સરકારનાં ધારા ધોરણ મુજબ ગામોમાં ખેડૂતોને સહાય ચૂકવવા વિનંતી કરવામાં આવી છે.