હવામાન વિભાગ દ્વારા રાજયભરમાં કરાયેલી કમોસમી વરસાદની દહેશત મોરબી પંથકમાં સાચી ઠરી છે આજે મોરબી અને માળીયા તાલુકાના અમુક ગામોમાં હળવા છાંટા પડ્યા હતા. માવઠાને પગલે પાક નુકસાનીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા તા.19 થી માંડી 21 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે આજે મોરબી અને માળીયા તાલુકામાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. મોરબી શહેર અને આસપાસના ગામેં તથા માળીયા તાલુકાના સુલતાનપુર, કુંભરીયા, ખાખરેચી, વેજલપર, વેણાસરમાં છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એક બાજુ ચોમાસુ પાક તૈયાર થયો હોવાથી ખેતીમાં પાકની લણણીની સિઝન પુર બહારમાં ખીલી છે અમુક ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે તો અમુક ખેતરોમાં મગફળી કાઢવા માટે થ્રેસરો ચારી રહ્યા છે આવા ખરા સમયે માવઠાએ મોકાણ સર્જતાં ખેડૂતોને નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે આથી જગતનો તાત ચિંતાતુર થયો છે.