વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું.
મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા મોરબી જીલ્લામાં તારીખ ૨૦ થી ૨૫ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શરૂઆતમાં રાજ્યકક્ષાએથી વંદે ગુજરાતથી આપત્તિ વ્યવસ્થાપન વિશે વીડિયો સંદેશના માધ્યમ દ્વારા પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને યોગ્ય માર્ગદર્શન આપી ગુજરાત રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫નો શુભારંભ કરાયો હતો.
આ ઉજવણી અંતર્ગત જીલ્લામાં ૫૮૨ જેટલી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અને ૩૬ પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ અકસ્માત, પૂર, માર્ગ સલામતી જેવા વિવિધ વિષયો ઉપર મોરબી ફાયર વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા, આરોગ્ય વિભાગ, ગુજરાત ગેસ, આપદા મિત્રોના સહયોગથી તાલીમ અને મોકડ્રીલ કરવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વિડિઓ નિદર્શન, પોસ્ટર પ્રદર્શનનું આયોજન જીલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.