મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કુલ ૨૪ સભ્યોમાંથી માત્ર ૧૩ સભ્યો જ હાજર રહ્યા હતા. સભામાં સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના કામો સહિત વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે તા. ૧૦ માર્ચે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા પંચાયતના કુલ ૨૪ સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત માત્ર ૧૩ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે વિપક્ષના ૧૦ સભ્યોમાંથી માત્ર ૨ સભ્યો જ હાજર રહ્યા હતા. આમ કુલ ૧૧ સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભામાં વિવિધ વિકાસ કાર્યો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી હેતુફેરના રૂ.૨૨ લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત રૂ.૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી તેમજ રૂ.૧ કરોડ ૯૨ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જીલ્લા પંચાયત કચેરી હસ્તકના નાયબ જીલ્લા વિકાસ અધિકારી (પંચાયત) દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના બોલેરો રજી.નં. જીજે-૦૩-જીએ-૦૩૩૩નું ૧૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ જતા તેને રદબાતલ કરી તેના સ્થાને નવું વાહન ખરીદવાની મંજૂરી પણ આ સભામાં આપવામાં આવી હતી.









