તાજેતરમાં જ ધો.૧૨ પાસ ઉમેદવારો માટે મેડિકલ અને પેરામેડિકલ કોર્ષની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ છે. વિદ્યાર્થીઓ તે અંગે માહિતગાર થાય તે માટે હળવદની તક્ષશિલા વિદ્યાલય દ્વારા ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ કોર્ષ અંગે માર્ગદર્શન આપતા GPSC પાસ અને ક્લાસ-2 મેડિકલ ઓફિસર ડો.જયેશ ગરધરિયાએ MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપથી કોર્ષના મેરિટ અંગે આંકડાકીય સમજૂતી આપી હતી.
પેરામેડિકલ કોર્ષ અંગે પતંજલિ નર્સિંગ સ્કૂલના ડાયરેક્ટર ડો.અલ્પેશ સિણોજીયાએ ANM, GNM, B.SC. નર્સિંગ કોર્ષ કર્યા બાદ સરકારી નોકરીની વિપુલ તકો વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે મોરબી જિલ્લા પછાત કલ્યાણ ઓફિસના કર્મચારી દુષ્યંત મોરડિયા સરે સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી યોજના, બિન અનામત આયોગ દ્વારા અપાતી લોન અને ફુડ બિલ જેવી વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓ વિશે જણાવ્યું હતું. સમગ્ર ઓનલાઈન સેમિનારનું સંચાલન રોહિત સિણોજીયા સરે કર્યું હતું.