શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ શું છે? સાયબર ક્રાઇમના પ્રકાર કેટલાં? સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું ? સાયબર સિક્યોરીટી, સાયબર સેફ્ટી, ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો શું કરવું તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મોરબીના લક્ષ્મીનગરમાં આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ગઈકાલે તા.૧૫- ૦૭- ૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પોલીસ વિભાગના સાયબર સેલ અધિકારીઓ અમિતભાઈ સી. બાખરીયા, મનોજભાઈ ટી. લકમ, આકૃતીબેન સી. પીઠવા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ — જેમ કે OTP ફ્રોડ, ફિશિંગ, UPI ઠગાઈ, લોટરી સ્કેમ, નકલી લોન/જોબ ઓફર, સોશ્યલમીડિયા છેતરપિંડી વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોને ઓનલાઇન વ્યવહાર દરમ્યાન સુરક્ષિત રહેવા માટેની વિવિધ રીતો સમજાવવામાં આવી હતી. ઉપરાંત, ક્યારેય અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરો, OTP અથવા બેન્ક વિગતો ક્યારેય પણ ફોન અથવા મેસેજ દ્વારા ન આપો, સત્તાવાર વેબસાઈટ અને એપ્લિકેશન જ ઉપયોગ કરો, સાયબર ગુનાની ઘટનાઓ માટે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો, mass media એપ્લીકેશનમાં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને થયેલા અનુભવો પણ રજુ કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ વધુ જાગૃત બને. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. જેમાં હાજર વિદ્યાર્થીઓ અધિકારીઓને સાયબર સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પુછ્યા અને તેમનો યોગ્ય જવાબ મળ્યો. અંતે, આયોજકો તરફથી આવનારા સમયમાં વધુ જાગૃતિમૂલક કાર્યક્રમો યોજવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.