પાળીયાદ પોલીસ મથકના પીએસઆઇ સહિતના સમગ્ર સ્ટાફે મનો દિવ્યાંગ બાળકોને પરિવાર જેવો સ્નેહ આપી સમગ્ર પોલીસ બેડાની શાન વધારી
બોટાદ : અમુક અપવાદોને બાદ કરતાં 24×7 દિવસ સતત ફરજ બજાવતા પોલીસ સ્ટાફમાં પણ આમ આદમી જેવી જ સમ સંવેદના હોય છે. દેશના સીમાડાને જીવન ભોગે સાચવતા ભારતીય સેનાના જવાનો જેવી પોલીસમાં દેશ પ્રત્યે ખુમારી અને નાગરિકો પ્રત્યે કર્તવ્યપણાની ભાવના હોય છે. ડ્યુટી ઇઝ ફર્સ્ટ અને ફેમેલી નેક્સ્ટને ખરા અર્થમાં નિભાવતા પોલીસ અધિકારીઓથી માંડીને નાના પોલીસ કર્મચારીઓને ફરજની સાથે સમાજના ત્યજાયેલા લોકો પ્રત્યે પણ ભારે માન સન્માનની લાગણી હોવાનું આજે બોટાદના પાળીયાદ પોલીસ સ્ટાફે પુરવાર કર્યું છે.
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ મથકના પીએસઆઇ એ. એમ. રાવલ, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે આજે સમગ્ર પોલીસ બેડાને ગૌરવ થાય એવું સરાહનીય કામ કર્યું છે. આ પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ રક્ષાબંધનને લઈને ફરજ ઉપર હોય એટલે પરિવાર સાથે આ પર્વ મનાવી ન શકે એનો જરાય રંજ ન હોય તો આરોપીઓ પ્રત્યે પણ આજે ભીની લાગણી વ્યક્ત કરીને જિલ્લા સબ જેલ ખાતે જેલ માં રહેલા ૨૩ આરોપીઓ ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરેલ હતી. એટલું જ નહીં જમાનો જેમને તિરસ્કારથી જુએ છે તેવા મનોદિવ્યાંગો સાથે પણ ખૂબ જ આનંદથી પરિવારની જેમ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેમાં સમઢીયાળા ખાતે આવેલ મનો દિવ્યાંગ લોકો ના આશ્રમ “દિવ્યાંગ સેવા આશ્રમ” ના લોકો સાથે પોલીસ સ્ટાફે 80 થી 85 જેટલા મનો દિવ્યાંગોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી શુભકામનાઓ આપી ઉજવણી કરી ભરપૂર આનંદ આપ્યો હતો. એટલું જ નહીં પોલીસ મટીને તેઓ પરિવારજનો બની ગયા અને તહેવારની ખુશી આપીને તેમના જીવનમાં ઉમગનો રંગ ભરી દીધો હતો.