અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.એ. વાઘેલાએ ખાખીમાં છુપાયેલી માનવતા દર્શાવી સમગ્ર પોલીસ બેડાને એક અલગ જ સન્માન મળે તેવું કાર્ય કર્યું છે. એક ગરીબ ફેરિયાની દિકરીની હ્રદયની સારવાર માટે તમામ પ્રકારની મદદ માટે આકાશ વાઘેલા તત્પર અમદાવાદ શહેર પોલીસ જ નહીં પરંતુ ગુજરાત પોલીસ ગર્વ લઈ શકે તેવા પીએસઆઈ વાઘેલાને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માનિત કરી શાબાશી સાથે પ્રોત્સાહિત કર્યા છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ 2013ની બેચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આકાશ એ. વાઘેલા ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામના વતની છે. જેઓ અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લાં 5 વર્ષથી ફરજ બજાવે છે.
જેમણે આજથી ત્રણેક મહિના અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તરપ્રદેશના મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા. “સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે” મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર શરૂ કર્યો હતો. જેમાં ફેરિયાએ કહ્યું હતું કે મારે 4 પુત્રી અને 1 પુત્ર છે. તેમાં ચોથા નંબરની દિકરી મંજુને હ્રદયમાં કાણું છે. અને તેની સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી. તેમ કહેતા કોરોનાકાળમાં સેવા કરી ચૂકેલા PSI ફેરિયા માટે દેવદૂત બન્યા હતા અને ખાખીમાં પણ સંવેદના હોય છે તેમ સાબિત કરી બતાવ્યું હતું. અને ફેરિયાની દીકરીના હ્રદયનું ઓપરેશન કરાવી આપ્યું હતું. જેને લઇને બુધવારે બપોરે પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ સાથે ટી મિટિંગનું પોલીસ કમિશ્નરે આયોજન કર્યું હતું. શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકનો હેતુ PSI વાઘેલાના સન્માનની સાથે સાથે તેમણે કરેલા માનવતાવાદી કાર્યની પ્રેરણા અન્ય અધિકારીઓને મળી રહે તેવો હતો. તેથી પોલીસ કમિશનરે PSI પાસે આખી ઘટના જાણી હતી અને બુધવારે બપોરે પોલીસ કમિશનરની ટી મીટિંગ પૂર્ણ થાય તે પહેલાં અટકાવી પીએસઆઈ એ.એ.વાઘેલાને પોલીસ કમિશનરની ઓફિસમાં બોલાવી તમામ સિનિયર પોલીસ અધિકારીઓની હાજરીમાં કમિશનર મલિકે PSI વાઘેલાએ કરેલા કાર્યની સમગ્ર હકિકત તેમના શબ્દોમાં સાંભળી હતી. પોલીસ કમિશનર મલિકે મદદ કેવી રીતે અને કોના સહકારથી કરી તે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. PSI આકાશ વાઘેલાને પ્રશંસાપત્રની સાથે શાબાશી આપી વિશેષ રીતે બિરદાવ્યા હતા.