મોરબીમાં સંવેદનશીલતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબી તાલુકા મામલતદાર દ્વારા દિવ્યાંગ બાળકના ઘરે કીટ સાથે ટીમ મોકલીને આધાર કાર્ડ અપડેટ ની કામગીરી કરાવવામાં આવી હતી.
જેની વધુ માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ સોલંકીના છ વર્ષની ઉંમરના દિવ્યાંગ પુત્ર ધૃવ સોલંકીને પોતાના આધારકાર્ડ માં બાયોમેટ્રિક અપગ્રેડેશન કરાવવાનું હતું પરંતુ તેઓ દિવ્યાંગ હોવાથી તેઓને લઈને લાલબાગ ખાતેની મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતે આવવાની શારીરિક સ્થિતિમાં ન હોય તેમના દ્વારા હેલ્પ લાઇન પર મદદ માંગવામાં આવતાં મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતાએ તાત્કાલિક આધાર કાર્ડ ની કીટ સુપરવાઇઝર સાથે તેઓના ઘરે મોકલી આપી તેઓના બાયોમેટ્રીક અપગ્રેડેશનની કામગીરી કરી આપવામાં આવેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હવે સરકારી સહાય માટે આધાર બેઈઝ પેમેન્ટ થતા હોવાથી આધારકાર્ડ અપગ્રેડેશન ખૂબ જરૂરી હોય શારીરિક અશક્તતા ધરાવતા નાગરિકો માટેની આ સેવા ખૂબ જ ઉપયોગી થઇ રહી છે અને નાગરીકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.