મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે 6 વર્ષ પૂર્વે થયેલ યુવકની હત્યા તથા ખંડણી માંગવાના ગુન્હામાં આરોપીને ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ યુવકની હત્યા કરી તેનો મૃતદેહ અવાવરું જગ્યાએ પાણીમાં નાખી દીધો હતો. તેમજ મૃતકના ફોનથી તેના પિતાને ફોન કરી “તમારો દિકરો જોયતો હોય તો રૂ ત્રણ કરોડ આપો” તેમ ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૫/૦૪/૨૦૧૭ ના સવારના સમયે જયેશ શામજીભાઇ કાસુન્દ્રા નામના શખ્સે ચંન્દ્રકાંત પ્રેમજીભાઇ જેઠલોજા (રહે.જુની પીપળી)ને પૈસાના હિસાબની લેતી દેતી બાબતે મોરબી મહેન્દ્રનગર ચોકડી ખાતેથી પૈસા આપવાનું કહી તેની વોકસ વેગન કંપનીની જીજે-૩-ઇસી-૦૫૦૭ નંબરની વેન્ટો કારમાં આમરણ ક્રિશ્ના જીનીંગ ખાતે લઇ ગયેલ અને ક્રિશ્ના જીનીંગમાં આરોપી જયેશે ગેર કાયદેસર હાથ બનાવટની પીસ્તોલથી ચંન્દ્રકાંત ઉપર ફાયરીંગ કરી બે ગોળીઓ શરીરે મારી ચંન્દ્રકાંતની હત્યા કરી તેના મૃતદેહને વોકસ વેગન કંપનીની વેન્ટો કારની ડેકીમાં નાખી મોરબી રાજકોટ, બાયપાસ રોડ મચ્છુ નદીમાં નવી બનતી સ્કુલ પાસે અવાવરૂ જગ્યાએ પાણીમાં નાખી દઇ પુરાવાનો નાશ કરી મૃતકની ગાડી મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ઉપર બીનવારસી હાલતમાં મુકી પોતાની જીજે-૦૩-બીએ-૨૭૨૮ નંબરની ઇન્ડીગો કારમાં જઇ મૃતકના પીતાના મોબાઇલ ફોનમાં મૃતકના મોબાઇલ ફોનથી ફોન કરી તમારો દિકરો જોયતો હોય તો રૂ ત્રણ કરોડ આપો તેમ ધમકી આપી ખંડણી પેટે માંગણી કરેલ હોય જે મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા તથા 95 હજારનો દંડ ફટકાર્યો છે.