એપાર્ટમેન્ટમાં લગાવેલ એ.સી.નું પાણી ઘરમાં પડતું હોય જેનો ખાર રાખી યુવક અને તેના પરિવાર ઉપર હુમલો
મોરબી-૨ માં આવેલ મહેન્દ્રનગર નજીક આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં લગાવેલ એસીનુ પાણી બાજુના ઘરમાં પડતું હોય જેવી સામાન્ય બાબતે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને તેના ફ્લેટમાં જઈ બોલાચાલી ઝઘડો અને ઝપાઝપી કર્યા બાદ ફરી પાછા બહારથી માણસો બોલાવી સાત શખ્સોએ યુવક ઉપર ઢીકાપાટુ તથા ધોકા વડે હુમલો કર્યો હતો જ્યારે મારથી બચાવવા વચ્ચે પડેલ પરિવારના સભ્યને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. સમગ્ર બનાવ બાબતે યુવક દ્વારા સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર નજીક હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૨માં રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરા ઉવ.૩૮ એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)ધવલ શેરશીયા (૨)આષીશભાઇ આહિર (૩)કેવલભાઇ ડાભી (૪)ઉદયભાઇ શેરશીયા (૫)જેરામભાઇ ડાભી (૬)પ્રદિપભાઇ આહિર (૭)ધ્રુવભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે
અશ્વિનભાઈના એપાર્ટમેન્ટના એ.સી.નુ પાણી આરોપી ધવલ શેરશીયાના ઘરમા પડતુ હોય જે બાબતે આરોપી ધવલભાઈ, આશિષભાઈ અને કેવલભાઈ ફરીયાદીના ઘરે આ બાબતે કહેવા ગયેલ સાથે બોલાચાલી ઝપાઝપી અને ગાળાગાળી કરેલ હોય જેનો ખાર રાખી બીજી વખત અન્ય ચાર આરોપી સહિત ઉપરોક્ત સાતેય આરોપીઓએ અશ્વિનભાઈની શેરીમા જઇ તેમને ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને આ દરમિયાન આરોપી ઉદયભાઇએ અશ્વિનભાઇ ધોકો મારી માથામા ઇજા કરી તેમજ વધુ માર મારતા છોડાવવા વચ્ચે પડેલ પરિવારના સભ્યને પાડી દેતાં તેમને પણ મુંઢ ઇજા કરી હતી. અને અશ્વિનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ સાતેય આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.