મોરબી: ૧૭ સપ્ટેમ્બરે લાલબાગ સેવા સદનના ગેટ પાસે બ્રિજ કામ દરમિયાન ડ્રેનેજ પાઈપ તૂટી જતાં ગટરના પાણી ભરાયાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાએ દિવસ-રાત કામગીરી કરીને નવી કનેક્શન લાઈન નાખી અને પાણી ડાયવર્ટ કરીને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને લાલબાગ સેવા સદનના ગેટ પાસે ઊભી થયેલી ગટર પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં ગત તા.૧૭/૦૯ના રોજ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ડ્રેનેજની પાઈપ લાઈન તૂટી જતાં ગટરનું પાણી રોડ પર ફેલાઈ ગયું હતું. જેના કારણે આસપાસના રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમસ્યાની જાણ થતાં જ ડ્રેનેજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. દિવસ-રાત સતત કામગીરી ચલાવીને જેસીબી મશીન વડે નવી કનેક્શન લાઈન નાખવામાં આવી હતી. સાથે પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી આ કામગીરી બાદ ગટર પાણીની સમસ્યા દૂર થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.