મોરબીનાં રામકૃષ્ણ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ઉભરાતા પાણીની સમસ્યા વધી રહી છે. તેમજ અહીં આવેલી કુંડી ખુલી છે. જેના લઈ લોકોમાં રોગચાળાનો ભય રહે છે. જેને લઈ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે. પાલિકાની ચૂંટાયેલ ભાજપની બોડીએ પ્રજાકીય કોઈ કામ કર્યા નથી. પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધા અને હાલ વહીવટદાર મારફત નગરપાલિકા ચાલે છે. પણ પ્રજાને કોઈ ફાયદો નથી. અવાર-નવાર લોકો લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરીને થાકી ગયા પણ પાલિકાને પ્રજાની સુવિધા આપવા માટે કોઈ કામગીરી કરવાનુ મન નથી થતું. મોરબીના વોર્ડ નંબર 3 માં આવેલા રામ કૃષ્ણનગરમાં છેલા ઘણા સમય થયા ભૂગર્ભ ગટરની સમસ્યા છે. અહીં કુંડી ખુલી છે. અંદર કચરા પડ્યા છે. લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાય છે. તેના કારણે લોકોમાં રોગચાળાનો ભય રહે છે. લોકોને આ ખુલી ગટરથી ડર પણ લાગે છે કે નાના બાળકો રમતા રમતા ખુલી કુંડીમાં પડી જશે તો આવો ભય પણ સતાવે છે. પ્રજા પરેશાન છે. ત્યારે મોરબી પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસરને વિનતી કે આ વિસ્તારમાં પ્રજાની સુવિધા માટે કામગીરી કરી લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુની માંગણી છે.