મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ૨૪ વર્ષીય મૂકબધીર યુવતી પર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચોંકાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાથી ક્રોધિત માતાએ પતિને ઢીંકાપાટુથી અને છાતી પર લાતો ફટકારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ પોલીસે મૃતકનું પીએમ કરાવી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજને શર્મસાર કરતી ઘટના બની છે, જેમાં એક શ્રમિક પરિવારની ૨૪ વર્ષીય મૂકબધીર પુત્રી પર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીની માતાને આ કૃત્ય વિશે જાણ થતાં દુઃખ અને ગુસ્સામાં આવી પતિ પર હુમલો કર્યો અને તેને ઢીંકાપાટુ અને લાતોના ઘા ઝીંકી દેતાં તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. હાલ મૃત પિતાનું પોસ્ટમોર્ટમ મોરબીની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, દુષ્કર્મની ઘટના અંગે ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે અને પીએમ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મૃતક પિતા અને યુવતીની માતા બંનેના બીજીવાર લગ્ન થયા હતા. મૂકબધીર યુવતી માતા સાથે પહેલા પતિના ઘરમાંથી અહીં આવી હતી. એવી સ્થિતિમાં સાવકા પિતાએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે ઉંડાણપૂર્વક તપાસની તજવીજ શરૂ કરી છે.