Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ૮૯% સાથે NQAS પ્રમાણપત્ર મેળવતું સરવડ પ્રાથમિક આરોગ્ય...

મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ૮૯% સાથે NQAS પ્રમાણપત્ર મેળવતું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

દર્દીઓ માટેની સેવાઓ, સુલભ સાધન સામગ્રી, સંસ્થાની સ્વચ્છતા સહિતના માપદંડોમાં સરવડ પી.એચ.સી.ના નામે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લો વિકાસપથ પર ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આરોગ્ય વિભાગની સાથે વહિવટી તંત્ર દ્વારા સારી અને સુલભ સવલતો ઉપ્લબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આરોગ્ય વિભાગની સિદ્ધિઓમાં એક નવું છોગું ઉમેરાયું છે. જિલ્લામાં માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS – નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્ય સેવાઓ મળી રહે અને વધુમાં વધુ લોકો વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ લે અને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ઘટાડી શકાય તે માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં આરોગ્ય સંસ્થાઓમાં અપાતી આ સેવાઓ ફક્ત વિનામૂલ્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણો મુજબ મળતી થાય તે માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોરબીમાં માળીયા તાલુકાનું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીઓની સેવા માટે અને તેમને સારી આરોગ્ય સુવિધાઓ સુલભ કરાવવા સંપૂર્ણપણે કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

આ આરોગ્ય સેવાઓની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય કક્ષાની છે તેવો ટેગ હાલ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યો છે. તા. ૪ અને ૫ ઓગસ્ટ, ૨૦૨૩ એમ સતત બે દિવસ સુધી ભારત સરકારશ્રીની ઇન્સ્પેકશન ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડની રૂબરૂ મુલાકાત લઈ ધારાધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપીડી, ઇન્ડોર, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ તેમજ જનરલ એડમિનિસ્ટ્રેશન જેવા કુલ છ વિભાગોના કુલ ૨૫૦ માપદંડોના ૧૩૬૪ મુદ્દાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી અને દર્દીઓને અપાતી સેવાઓ, ઉપલબ્ધ સાધન સામગ્રી, સંસ્થાની સ્વચ્છતા વગેરે જેવા માપદંડો માં સરવડ ૮૯.૨૦% ગુણ સાથે ઇન્ટરનેશનલ લેવલની ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ આપતી આરોગ્ય સંસ્થાનું બહુમાન મેળવી સરવડ ગામનું અને મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ૬ બેડ ધરાવતી સરકારી આરોગ્ય સંસ્થા છે જેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ ૧૭ લેબોરેટરી તપાસ, ટી.બી., મેલેરિયા, રક્તપિત જેવા વિવિધ રોગોની સારવાર, સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોને વિવિધ રોગો વિરોધી રસીઓ અને આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. વધુમાં દર્દીઓને બેસવા માટેની વ્યવસ્થા વાહન પાર્કિંગની સુવિધા યોગ અને પ્રાણાયામ કરવા માટે ગાર્ડનની સુવિધા તેમજ વિવિધ રોગો મટાડવા માટે ઉપયોગી એવા હર્બલ ઔષધીય વૃક્ષો સાથેનું હર્બલ ગાર્ડન જેવી અનેક સુવિધાથી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સજ્જ છે. ભારત સરકારના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ISQua ( ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે. તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ ૨૫૦ માપદંડો અને ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણી કરી અને તેમાં ૭૦% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવવા માટે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના સતત માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન જે. દવે, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવાના પ્રોત્સાહન અને સતત મોનિટરિંગ થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. નિરાલી ભાટિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફના રાત-દિવસના અથાગ પ્રયત્નો, શ્રમ અને સમયદાન થકી આ ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડએ આરોગ્ય ક્ષેત્રે એક અનેરી સફળતા હાંસલ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!