માર મારી વેલ્ડીંગ કરવાનો સામાન બળજબરીપૂર્વક લઈ જનાર ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
માળીયા(મી)ના ખાખરેચી ગામે અંદાજે ૨ વર્ષ પૂર્વે ડ્રાઇવર તરીકે કામ કરતા અને હાલ ગેસ વેલ્ડીંગની દુકાન ધરાવતા શખ્સને ઉપાડરૂપે આપેલ રૂપિયાની લેતી દેતી મામલે ચાર જેટલા ઈસમોએ લાકડાના ધોકા વડે હુમલો કરીને વેલ્ડીંગ કરવાનો સામાન બળજબરીપૂર્વક લઈ ગયા હોવા અંગે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે ખાદી વસાહત પ્લોટમાં રહેતા રમજાનભાઈ અબ્દુલભાઇ લંઘાણી ઉવ.૩૬ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ગોપાલભાઈ પોપટભાઈ શિયાળ, વિજયભાઈ પોપટભાઈ શિયાળ, નવઘણભાઇ છેલાભાઇ શિયાળ તથા દિનેશભાઈ છેલાભાઇ શિયાળ ચારેય રહે.ખાખરેચી ગામ તા.માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી રમજાનભાઈ બે વર્ષ અગાઉ આરોપી ગોપાલભાઈને ત્યા ડ્રાઇવિંગ કરતા હોય, ત્યારે ઉપાડ રૂપે રૂપિયા લીધા હતા, જે ઉપાડના રૂપીયાની લેતી દેતી બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ ગઇ તા-૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ફરીયાદીની દુકાન પાસે લાકડાઓના ધોકા લઇ આવી, ફરીયાદીને દુકાનની બહાર બોલાવી, ચારેય આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભેગા મળી શરીરે, હાથે-પગે તથા વાંસાના ભાગે લાકડાના ધોકા વતી મુંઢ માર મારી, ફરિયાદીની દુકાનની બહાર પડેલ વેલ્ડીગનો સર-સામાન બળજબરીથી લઈ જઈ એકબીજાની મદદગારી કરી હતી. હકલ માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૧૫(૧),૩૦૮(૨), ૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.