હળવદ તાલુકામાંતો તસ્કરો રોજ બરોજ પોલીસ અને ચોકી કરતા ગ્રામજનોને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ ગામોમાં ચોરીના વધતા બનાવોની સાઈડ ઇફેક્ટ જોવા મળે છે જ્યાં ગ્રામજનો દ્વારા આવા બનાવો ન બને તે માટે ચોકી પહેરો કરવામાં આવે છે અને અજાણ્યા લોકો ને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
જેમાં મોરબી તાલુકાના સરતાનપર ગામે ગત રાત્રીના ગ્રામજનો ચોકી કરી રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શકમંદો ઝડપાયા હતા જેને ગ્રામજનો દ્વારા પકડી પાડી પટ્ટા વડે બેફામ માર મારતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સાથે એવો પણ એક વિડિઓ વાયરલ થયો છે જેમાં ઝડપાયેલા પૈકી એક શકશ કબૂલાત આપી રહ્યો છે કે તેઓ ચોરી કરવા આવ્યા હતા પરંતુ ચોરી કરે એ પેહલા ગ્રામજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.હવે આ બાબતે ઝડપાયેલા શખ્સો ખરેખર ચોરી કરવા આવ્યા હતા તો અગાઉ તેઓએ કેટલી જગ્યા ચોરી કરી છે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે એમ છે.
અત્રે નોંધનીય છે કે વધતા જતા ચોરીના બનાવો વચ્ચે ગ્રામજનો પોલીસને સહકાર આપી રહ્યા છે અને પોતાનું રક્ષણ કરવાની પણ તેઓને સ્વતંત્રતા છે પણ આ તકે ભૂતકાળમાં આ રીતે બેફામ માર મારવાથી મોત થવાના મામલા સામે આવી ગયા છે જેમાં અનેક લોકો પર હત્યા નિપજાવવા સહિતના ગુનાઓ દાખલ પણ થયા છે જે બાબતને ધ્યાનમાં લઈને ગ્રામજનોએ કાયદો હાથ માં લેવાને બદલે આવા લોકોને ઝડપી પાડી તુરંત પોલીસને જાણ કરવી જોઈએ એવી મોરબી મિરર દ્વારા અપીલ કરવામાં આવે છે.