હળવદ તાલુકાના ભલગામડા ગામે ઘેટા બકરા ચરાવવા બાબતે કોઈ કારણોસર બે પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો શરૂ થઈ ગયો હતો. ત્યારે સામે પક્ષના સાત શખ્સોએ એક જ પરિવારના બે મહિલા સહિત છ સભ્યોને લાકડી, ધોકા તથા આડેધડ ઢીકાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે ઇજાગ્રસ્ત પરિવાર દ્વારા હળવદ પોલીસ મથકમાં સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડી વિસ્તારમાં રહેતા ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા ઉવ.૩૨ એ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ નારણભાઈ ઉર્ફે સામંતભાઈ મશરુભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ, કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા, દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા, પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા તમામ રહે.ભલગમડા તા.હળવદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી ગણપતભાઈ તથા તેના કૌટુમ્બીક ભાઈ ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા તથા યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા આરોપીઓ દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા(ભરવાડ), નારણ ઉર્ફે સામંત મશરુભાઈ ધ્રાંગીયા (ભરવાડ) તથા લાખા ડાયાભાઈ ભરવાડ સાથે ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી થતા જે ઝગડાને કારણે આ કામના આરોપીઓએ ફરીયાદી ગણપતભાઈ તથા તેના પરિવારના સભ્યો સાથે તા. ૧૯/૦૬/૨૦૨૪ ના બપોરના પોણા ચારેક વાગ્યાના સુમારે બોલાચાલી ઝગડો કરી ગાળો બોલી છુટા પથ્થરો તથા લાકડી, લોખંડનો પાઇપ જેવા હથિયાર તેમજ આડેધડ ગળદાપાટુ મારી ફરિયાદી ગણપતભાઈ સહિત પરિવારના સભ્યો પ્રવિણભાઈ, હંસાબેન પચાણભાઈ ભાટીયા તથા કોમલબેન યુવરાજભાઈ ભાટીયા ને શરીરે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક સંપ કરી એકબીજાને મદદગારી કરી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.