બોલેરો ગાડીમાં છરી, ધોકા સાથે આવેલા શખ્સોએ યુવકને માથામાં છરીનો એક ઘા મારી ઇકો કારમાં નુકસાન કર્યું
મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક સમલી જવાના રસ્તે ઇકો કાર લઈ જઈ રહેલા યુવકને જુના ઝઘડાનો ખાર રાખી બોલેરો ગાડીમાં આવેલા શખ્સો દ્વારા ઉભો રાખી છરી, ધોકા વડે હુમલો કર્યો હતો, ત્યારે ઇકો કારના કાચ તોડી યુવકને માથાના ભાગે છરીનો એક ઘા મારી ધોકા તથા ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. જ્યારે યુવક સ્થળ ઉપરથી ભાગી જતા બાઇક સવાર અન્ય બે આરોપીઓએ તેની પાછળ બાઇક દોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ બાદ ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના વાકડા ગામના રહેવાસી ભરતભાઇ પોપટભાઇ રાતડીયા ઉવ-૨૭ ગત તા.૩૧/૦૭ના સાંજના પોતાની ઇકો કાર રજી.નં. જીજે-૦૩-એલ-૮૬૦૯ લઈને આંદરણા ગામથી સમલી જવાના રોડ ઉપરથી જતા હોય ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી બોલેરો ગાડીમાં આવેલ આરોપી પંકજભાઇ ગોકળભાઇ બાંભવા, વિનોદભાઇ ગોકળભાઇ બાંભવા, પ્રવિણભાઇ ભોજાભાઇ બાંભવા તથા રાજેશ ગોકળભાઇ બાંભવા તમામ રહે. આંદરણા ગામવાળાએ ખારા તરીકે ઓળખાતી સીમ પાસે બોલેરો ગાડી રોડ વચ્ચે ઉભી રાખી ભરાતભાઈની ઇકો કાર ઉભી રખાવી ઇકો કારના કાચ તોડી ભરતભાઈને કારની બહાર કાઢ્યા હતા. અને તેના સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપી હતી. જેથી ભરતભાઈએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલા શખ્સોએ ભરતભાઈને માથામાં છરીનો એક ઘા મારી ધોકા અને ઢીકાપાટુથી માર માર્યો હતો. ત્યારે સ્થળ ઉપરથી વધુ મારથી બચવા ભરતભાઈ ત્યાથી આંદરણા ગામ તરફ ભાગતા આરોપી ગટુ મારવાડી અને ગોકળભાઇ ખોડાભાઇ બાંભવા તેમનુ બાઇક લઇને સામે આવતા કહેલ કે ‘પકડો પકડો આજે તો તેને પુરો કરી નાખવો છે’. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ભોગ બનનાર ભરતભાઇ હાલ સારવારમાં હોય જ્યાંથી સારવાર પૂર્ણ થતા મોરબી તાલુકા પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.